6 November 2014

ધોરણ 9 નએ 10 ને પ્રાથમિક મા લઇ જવાની હિલચાલ 

News For Nikhilpatelblogspot.in 

                       રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને વધુ ગુણવત્તાસભર અને મૂલ્ય નિષ્ઠ બનાવવાના ભાગરૃપે શૈક્ષણિક માળખામાં ધરખમ ફેરફારો કરવામા આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ધો ૯ અને ૧૦ના વર્ગોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કરવાની હિલચાલ વર્તાઇ રહી હોઇ આણંદ જિલ્લાની ૨૨૮ મા.શાળાઓના ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉ.પ્રાથમિક વિભાગમાં તબદિલ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
   
                     શિક્ષણ વિભાગ દ્વારા ધો.૮નો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કર્યા બાદ મળેલી સફળતાને પગલે ધો.૯,૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શિક્ષણમાં સમાવી લઇ ૧ થી ૧૦ ધોરણનો અભ્યાસ એક જ શાળામાં થઇ શકે તેવી હિલચાલ પ્રવર્તી રહી છે. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ સ્થાનિક વિસ્તારમા ઉચ્ચ શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓના અભાવે અભ્યાસ અધુરો છોડી દેતા વિદ્યાર્થીઓ એક જ શાળામાંથી ધો.૧ થી ૧૦નું શિક્ષણ મેળવી શકશે. જોકે શિક્ષણ વિભાગના નિર્ણયને પગલે આણંદ જિલ્લાની ૨૨૮ શાળાઓના ધો. ૯-૧૦ના ૫૭૦ ઉપરાંતના વર્ગોમાં અભ્યાસ કરતા ૨૫૬૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ માધ્યમિકમાંથી સીધા જ ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ટ્રાન્સફર થઇ જશે. 

                   તદુપરાંત બન્ને ધોરણના વિવિધ વર્ગોમાં ફરજ બજાવતા અંદાજીત ૧૭૧૦ ઉપરાંતના શિક્ષકોમાંથી અમુક શિક્ષકોને અન્યત્ર શાળામાં તબદિલ કરાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. હાલમાં પ્રત્યેક બે વર્ગ દીઠ ૩ શિક્ષકોનો રેશિયો ચાલી રહ્યો છે. શૈક્ષણિક માળખામાં ફેરફારથી વધારાના વર્ગો શરૃ કરવાની અનિવાર્યતા જણાય તો શિક્ષકોની વધુ ભરતી કરવાની નોબત આવે. જ્યારે વિપરીત સ્થિતિમાં વર્ગ ઘટાડાની સ્થિતિ સર્જાય તો શિક્ષણકર્મીઓને અન્યત્ર સ્થળે તબદિલ કરવાની કે શિક્ષકોની સંખ્યા ઘટાડવાની જરૃરિયાત ઉભી થઇ શકે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણસ્તરમાં સુધાર લાવવાના ઉદ્દેશ્યથી માળખાકીય, વહીવટી પદ્ધતિમાં કરાઇ રહેલા વ્યાપક ફેરફારોથી શિક્ષણની ગુણવત્તા, અધ્યયન કાર્ય અને મૂલ્યનિષ્ઠતા ઉપર કેવી અસર પડશે. તે હકિકતનો સ્પષ્ટ ખ્યાલ આવનારા સમય ઉપરથી જ તારવી શકાય.
માધ્યમિક માત્ર ઔપચારિક બની રહેવાની ભીતિ શૈક્ષણિક માળખામાં ફેરફાર બાદ ૧ થી ૮ના વર્ગો પ્રાથમિકમાં તબદિલ થયા છે. ધો.૯-૧૦નો ઉ. પ્રા.શિક્ષણમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલને લઇને આગામી સમયમાં માત્ર ઉ.પ્રા. અને ઉ.મા,વિભાગનુ જ અસ્તિત્વ ટકી રહેશે.જ્યારે માધ્યમિકની સંકલ્પના માત્ર ઔપચારિકતા બની રહેશે.
સેમેસ્ટર સિસ્ટમની મિશ્ર અસરો


  શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય સત્રની સેમેસ્ટર સિસ્ટમ અમલી બનાવાઇ છે. જોકે નવતર સિસ્ટમે મિશ્ર અસરો ઉદ્ભવી છે.જેમાં પ્રથમ સેમેસ્ટરના પુસ્તકો,ટયુશન, સ્ટેશનરી પાછળ ખર્ચેલા સમય, નાણાં સહિતના આયામો દ્વિતીય સેમેસ્ટરમાં બિનઉપયોગી સાબિત થઇ રહ્યા હોવાની વાલીઓ- વિદ્યાર્થીઓમાંથી બુમો ઉઠવા પામી છે. જયારે બીજી તરફ બન્ને સેમેસ્ટરમાં જુદા-જુદા પ્રકરણ, અલગ અભ્યાસક્રમોથી વિદ્યાર્થી વધુ શિક્ષિત અને કેળવણીયુક્ત બને છે.