24 August 2014

ધો. ૧૦- ૧૨ના વિદ્યાર્થીઓ માટે અચ્છે દિન આયે...

હવેથી તમામ શાળાઓમાં સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે

ધો. ૧૦- ૧૨ના વિદ્યાર્થીઓ માટે અચ્છે દિન આયે....

ફોર્મ ભરવા માટે રહેણાંકનો પુરવઠો આપવો પડશે શાળાઓ દ્વારા આડેધડ લેવાતી ફોર્મ ફી પર

અમદાવાદ, શનિવાર
આગામી માર્ચ- ૨૦૧૫થી તમામ શાળાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ઘણી શાળાઓના આચાર્યો- સંચાલકો દ્વારા ૨૨૦ રૃપિયાની ફોર્મ ફીના મનમાં આવે એટલી રૃા. ૫૦૦થી માંડીને ૫૦૦૦ સુધીની ફી લેવાતી હતી જે હવે બંધ થઈ જશે. ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ માત્ર રહેણાંકનો કે પોતાનું ફોટો આઇ.ડી. રજૂ કરવાનું રહેશે.
કોઈ કારણોથી અધવચ્ચેથી ભણવાનું છોડી ગયેલા અને નિયમિત સ્કૂલે નહીં જઈ શકતા વિદ્યાર્થીઓ માટે સરકારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ચાલુ કરી છે જેમાં વિદ્યાર્થી ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે છે તેમજ સ્કૂલે જવાની જરૃર પણ નથી.
ઓપન સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તે માટે બોર્ડે અમદાવાદ સહિત રાજ્યભરની કેટલીક શાળાઓ નક્કી કરી હતી. જેથી વિદ્યાર્થીઓ આવી શાળાઓ સિવાય કોઈ જગ્યાએથી ફોર્મ ભરી શકતા નહોતા ઉપરાંત બોર્ડને આવી અનેક ફરિયાદ મળી હતી કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેલી ફોર્મ ફી કરતાં અનેકગણી રકમ વસુલવામાં આવ છે. જો કે બોર્ડે ગયા વર્ષે પણ જાહેર કર્યું હતું કે, નિયત ફી સિવાય કોઈ વધારાની ફી કોઈએ ચૂકવવી નહીં અને જો કોઈ શાળા વધુ ફી માગે તો બોર્ડમાં ફરિયાદ કરવી.લાંબી ચર્ચા વિચારણાના અંતે આખરે બોર્ડે એવું નક્કી કર્યું છે કે આગામી ધો. ૧૦ અને ધો. ૧૨ (સાયન્સ પ્રવાહ નહીં)ની ઓપન બોર્ડની પરીક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે સ્કૂલમાંથી ફોર્મ ભરી શકશે એવું બોર્ડના કારોબારી સભ્ય કનુભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ કહ્યું કે, બોર્ડમાં નોંધાયેલ માન્ય શાળામાંથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.