1 May 2014

સાબરકાંઠા પુંસરી ગામના નાગરીકોને ૨૪ કલાક WI-FIની મફત સુવિધા

- પાણીની પરબ હોય એમ યુવાનો ઇન્ટરનેટનો મફત ઉપયોગ કરે

- સુવિધાઓને લઇને ફરિયાદ કરવા માટે ટોલબુથ પણ


અમદાવાદને વાઇફાઇ સીટી બનાવવાની ભલે વાતો ચાલતી હોય પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આવેલું પુંસરી ગામ સંપુર્ણ વાઇ ફાઇ ટેકનોલોજીથી સજજ હોય તેવું દેશનું પ્રથમ ગામ છે. આ ગામમાં જાણે કે મફત પાણીની પરબ હોય ચાલતી હોય એવી રીતે લોકો ૨૪ કલાક ઇન્ટરનેટનો મફત ઉપયોગ કરી શકે છે. બહારની દૂનિયા સાથે સંપર્કમાં રહેવા માટે ૫૫૦૦ની વસ્તી ધરાવતા આ ગામના યુવાનો કોઇના પણ ઓશિયાળા નથી. ગ્રામ પંચાયતના આવક જાવકના ખર્ચા અને હિસાબો પણ લોકો ઓન લાઇન જોઇ શકે છે. સામાન્ય રીતે ગામડાઓમાં મોબાઇલ નેટવર્ક ઓછા પકડાતા હોય છે અને ઇન્ટરનેટની સુવિધાની  તો કલ્પના પણ થઇ શકતી નથી.પાયાની સુવિધા વિહોણા કેટલાક ગામો જાણે કે બાકીની દૂનિયાથી કપાઇ ગયા હોય તેવા હોય છે પરંતુ પુંસરી ગામ ૨૪ કલાક મફત WI-FI ની સુવિધા ગામના નાગરીકોને આપે છે.

WI-FI નો વિચાર કેવી રીતે આવ્યો?

 ગામના સરપંચ હિમાંશુભાઇ કહે છે ગ્રામ પંચાયતમાં ૧૫૦ જેટલા કોમ્પ્યુટર ખરીદીને ઇન્ટરનેટ તથા વાઇ- ફાઇ ટેકનોલોજીથી છેલ્લા એક વર્ષથી જોડવામાં આવ્યા છે.કારણ કે હવે ઓન લાઇન નોકરીઓ અને માહિતીનો જમાનો છે. આ બધુ જે શહેરોમાં તો સાવ સુલભ છે પરંતુ ગામના યુવાનો તેનો ઉપયોગ કરીને લાભ મેળવતા થયા તે માટે ગામને વાઇફાઇથી જોડી દિધું છે.ગામના દરેક ઘરના ખુણં ખુણે ઇન્ટરનેટની સવલત ઉભી કરવામાં આવી છે.તેઓ વધુમાં કહે છે કે વાઇફાઇનો રૃપિયા ૧૨ હજાર જેટલો ખર્ચ થાય છે જે સંપુર્ણ પણે ગ્રામ પંચાયત ભોગવે છે. જેને પણ ઇન્ટરનેટની આ સુવિધાનો લાભ મેળવવો હોય તેને માત્ર એક વખત રજીસ્ટ્રેશન કરાવીને પાસવર્ડ મેળવવો પડે છે, એ પછી ગમે તેટલો નેટનો વપરાશ કરે તો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
યુવાનો હવે નોકરીના ફોર્મ ઓનલાઇન ભરે છે
 આ અંગે ગામનો એક યુવાન કહે છે પહેલા પહેલા સરકારી કે ખાનગી ધોરણે નોકરી કે ભરતી થવાની જાહેરાત આવે ત્યારે છાપાના કટિંગ લઇને ફોર્મ ભરવા તાલુકા અને જિલ્લા મથક સુધી દોડવું પડતું હતું પરંતુ હવે અમે ઘર આંગણે જે ઓન લાઇન ફોર્મ ડાઉન લોડ કરતા થયા છીએ,આથી સમય અને શકિતનો વ્યય થતો અટકયો છે.ગામમાં દરેક જણ હવે પોતાનું ઇમેલ એકાઉન્ટ ખોલાવી રહયા છે. ફેસબુક તથા ટવીટર જેવા સોશિયલ સાઇટસના મેમ્બર બનીને નવી દુનિયા સાથે જોડાઇ રહયા છે.વાફ ફાઇ માટેના નાણા ખર્ચ કરવા માટે સરકારની ગ્રામ વિકાસની યોજનાનો લાભ લીધો હતો.
 ઓન લાઇન ટેકનોલોજીથી ભારતના ગામોમાં નંબર વન બન્યું
  ભારતમાં કુલ ૭ લાખ ગામો અને લોકશાહી શાસન વ્યવસ્થાને મજબુત બનાવતી ૨.૪૦ લાખ જેટલી ગ્રામ પંચાયતો છે.તેમાંથી  પુસરી ગામને પંચાયતી રાજના પાલન અને વહિવટમાં પારદર્શકતા માટે દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો. એટલું જ નહી આ ગામને શ્રેષ્ઠ પંચાયતી રાજના જે માપદંડ નકકી કરવામાં આવ્યા છે તેમાં ૧૦૦ માંથી ૯૩ ગુણ મેળવ્યા હતા.
શહેરના પેગડામાં પગ ઘાલે તેવી અન્ય સુવિધાઓ પણ છે
 ગામમાં શહેરની માફક ઘેર ઘેર જઇને કચરો ઉઘરાવીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. દરેક ના ઘરે મિનરલ પાણીનું વિતરણ કરવામાં આવે છે.ગામમાંથી બહાર ગામ જેવા માટે ૩૫ શીટોની એક બસ પણ છે. જેમાં બેસીને ગામ લોકો સુખચેનથી બહારગામ મુસાફરી કરી શકે છે. સ્વચ્છ અને સુવિઘાઓથી ભરેલું પ્રાથમિક હેલ્થ સેન્ટર, સ્કુલ અને આર સી સી રસ્તાઓ છે. ગામમાં મળતી સુવિધાઓને લઇને કોઇ ફરિયાદ હોય તો તેના માટે ટોલબુથ પણ રાખવામાં આવ્યું છે. ગામમાં જુદા જુદા સ્થળોએ ૧૨૦ જેટલા ધ્વની સ્પીકર ગોઠવવામાં આવેલા સ્પીકર દ્વારા જરુરી સુચનાઓ આપવામાં આવે છે.
 ગામની વર્ષે ૫૦૦ થી પણ વધુ લોકો મુલાકાત લે છે
  ગામના સરપંચના જણાવ્યા અનુસાર જયારે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં આવે ત્યારે ટીવી જોઇ શકે તે માટે એલઇડીની પણ સુવિધા પણ કરવામાં આવી છે. તેઓ માને છે કે અનેક પડકારો અને સમસ્યા વચ્ચે પણ ગામનો  સંપ અને સહકાર જળવાઇ રહે તો ગ્રામ વિકાસ થઇ શકે છે. ગામમાં વર્ષે ૫૦૦ થી પણ વધુ રાજયના અને રાજય બહારના લોકો મુલાકાત લેવા આવે છે.