14 April 2014

14/04/2014



ગુલઝારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે
                      મશહૂર લેખક, ફિલ્મ દિગ્દર્શક અને ગીતકાર
૭૯ વર્ષીય ગુલઝારના નામ પર અત્યાર સુધી સૌથી વધુ ફિલ્મફેયર પુરસ્કાર જીતવાનો રેકોર્ડ છે
 મુંબઇ, તા. ૧૨
મશહૂર લેખક,ફિલ્મ દિગ્દર્શક અને ગીતકાર ગુલઝારને ફિલ્મોનો સૌથી મોટો પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામં આવશે.
૭૯ વર્ષીય ગુલઝારના નામે અત્યાર સુધીમાં સૌથી વધુ ફિલ્મ ફેયર એવોર્ડ મેળવવાનો રેકોર્ડ છે. તેણે લગભગ ૨૦ પુરસ્કાર જીત્યા છે. ગુલઝારને સૌથી વધુ લોકપ્રિયતા ગીતકાર અને ડાયલોગ રાઇટર તરીકે મળી છે. જોકે તેમણે ઘણ ીયાદગાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તેમણે  દિગ્દર્શનની શરૃઆત ૧૯૭૧માં 'મેરે અપને'થી કરી હતી. ગુલઝારે 'સ્લમડોગ મિલેનિયર' ફિલ્ના ગીત જય હો માટે એઆર, રહેમાન સાથે ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો છે. દાદા સાહેબ એવોર્ડ માટેની રેસમાં જીતેન્દ્રનું નામ પણ લેવાતું હતું. જોકે તેમના નામનો વિરોધ કરતાં સલમાન ખાનના પિતા અને મશહૂર લેખક સલીમ ખાને દેશભક્તિની ઘણી ફિલ્મો બનાવનાર મનોજ કુમારને આ પુરસ્કાર આપવાની વકીલાત કરી હતી.
સંપૂરણસિંહ કાલરા મૂળ નામ ધરાવતા ગુલઝારે મુંબઈમાં શરૃઆતના દિવસોમાં એક ગેરેજમાં મોટરોને રંગવાનો વ્યવસાય કર્યો હતો. પછી કલ્પનાના રંગો મેળવી ગીતોની રચનાઓ કરવા માંડી હતી. મશહૂર ફિલ્મસર્જક બિમલ રોયના મદદનીશ તરીકે ફિલ્મની કારકિર્દી શરૃ કર્યા બાદ ગુલઝાર આપબળે આગળ વધ્યા હતા.
આલા દરજ્જાના ગીતકાર ઉપરાંત ગુલઝારે અનેક યાદગાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ગુલઝારની યાદગાર ફિલ્મોમાં મેરે અપને, પરિચય, કોશિશ,અચાનક, ખુશ્બૂ, કિતાબ, કિનારા, આંધી, મૌસમ, મીરા, માચિસ વગેરેનો સમાવેશ થાય છે. આમ ગુલઝારે ગીતકાર ઉપરાંત ફિલ્મોની કથા, પટકથા, દિગ્દર્શન ક્ષેત્રે પણ પોતાનો પ્રભાવ પાડ્યો હતો.
બદલતા સમય સાથે સતત તાલ મિલાવીને ફિલ્મસર્જન તેમજ ગીતોનું સર્જન કરતા રહેલા ગુલઝાર સાહેબને થોડા સમય પહેલાં જ પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.