7 April 2014

07/04/2014



ચાર મહિનાની મજૂરીમાંથી બાળકોના ભણતરનો ખર્ચ

  બાળકોને ભણાવવાના ઉદ્દેશ્યથી પૈસા કમાવવા શહેરમાં આવે છે
 
ઉનાળની ઋતુમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદનાં રસ્તા પર ઠેર ઠેર ઠંડીના રસ અને ઠંડા પીણાનાં સ્ટોલ નજરે પડી રહ્યાં છે. બપોરનાં સમયમાં લોકો શેરડીનો રસ પી ને ટાઢક અનુભવતા હોય છે. ઉનાળાની ઋતુમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકો માત્ર ઉનાળાની ઋતુ દરમિયાન શેરડીનાં રસનો બિઝનેસ કરવા  આવે છે. લારીની આવક થાય તેમાંથી પોતાના બાળકોનાં શિક્ષણ માટે વાપરતા હોય છે. ઉનાળો પુરો  થયા બાદ ગામડે પાછા જતાં રહે છે.
મહારાષ્ટ્રથી આવેલા શ્રીકાંત કાંબલે કહે છે કે ભણવાનાં દિવસો હતા ત્યારે ભણ્યા નહી. ઘરની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી. પરંતુ અમારા બાળકોને અમે ભણાવવા માંગીએ છીએ. અમે દર વર્ષે ઉનાળાની ઋતુમાં અમદાવાદમાં શેરડીના રસની લારી ચલાવવા માટે આવીએ છીએ. તેમાંથી સારૃં એવું કમાઇએ છીએ. કરકસર કરીને બચાવેલા આ પૈસા અમારા બાળકોનાં અભ્યાસ માટે ઉપયોગ કરીએ છીએ.
ઉત્તર પ્રદેશથી આવેલા સંદિપ ઉભાડે કહે છે કે, ઉનાળાની ઋતુમાં કમાઇ લેવાની ઉજળી તકો હોય છે. આખું  કુંટુબ તો ગામડે રહે છે. પરંતુ હું ચાર મહિના માટે અમદાવાદમાં શેરડીના રસનો બિઝનેસ કરવા માટે આવ્યો છે. શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન ઠંડાપીણાનો ધંધો સારો ચાલે છે. હું ભણેલો નથી પરંતુ જે ચાર મહિના આવક આવે છે. તેના પૈસા બાળકોના એજ્યુકેશન માટે ખર્ચ થાય છે. ભલે અમે એજ્યુકેશન નથી મેળવ્યું પરંતુ અમારા બાળકોને અમે ભણાવવા માંગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે તેઓ ભવિષ્યમાં મજુરી કરે.
રાજસ્થાનથી આવેલ રાયમલ રાગડે કહે છે કે, અમે લોકો ખુબ જ કઠીન મજુરી કરીએ છીએ. શેરડીનાં રસનો ધંધો કરીને સારા પ્રમાણમાં કમાઇએ છીએ. દર મહિનેે પૈસા અમે ગામડે મોકલીએ છીએ. જેમાં અમારા બાળકો સારું એજ્યુકેશન મેળવે છે. સાથે બાકીના પૈસાથી અમારા કુંટુંબનું ભરણ પોષણ પણ થાય છેે. આજે એજ્યુકેશનના જોરે માણસ ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચે છે. અમે પણ અમારા બાળકોને ભણાવીને સન્માન અપાવવા માગીએ છીએ.
આજે બાળમજૂરીનો દર દરેક જગ્યાએ વધી રહ્યો છે. બાળકોના સારા ફ્યુચરને લઈને દરેક વડીલોએ ચિંતિત થવું જરૃરી છે. જે ઉદ્દેશ્યથી આ લોકો પણ તેમના બાળકોના ફ્યુચરને લઈને મહેનત કરતા હોય છે.